By Chhelli Jagir
May 21, 2026
ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા સરકારે એક યોજના અમલમાં મુકી છે. હવે કિસાન ડ્રોનની ખરીદી પર સરકાર દ્વારા મોટી સબસિડી (સહાય) આપવામાં આવી રહી છે. જો તમે પણ ખેતી માટે ડ્રોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોજના હેઠળ તમને 5 લાખ સુધીનો મોટો ફાયદો થઈ શકે છે.
Kisan Drone Scheme : બદલાતા સમય સાથે હવે ભારતની ખેતી પણ હાઈટેક બની રહી છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા સરકાર દ્વારા એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે રાજ્યમાં કિસાન ડ્રોનની ખરીદી કરવા પર સરકાર દ્વારા મોટી સબસિડી (સહાય) આપવામાં આવી રહી છે.
જો તમે પણ ખેતી માટે ડ્રોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોજના હેઠળ તમને 5 લાખ સુધીનો મોટો ફાયદો થઈ શકે છે. ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને-કોને મળશે અને તેની શરતો શું છે.
કિસાન ડ્રોન પર કેટલી મળશે સહાય?
સરકારના નિયમો અનુસાર, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કિસાન ડ્રોનની ખરીદી પર આર્થિક રાહત આપવામાં આવશે.
ડ્રોનની ખરીદીના કુલ ખર્ચના 50% સહાય મળવાપાત્ર રહેશે.
અથવા મહત્તમ 5,00,000 (પાંચ લાખ રૂપિયા) ની સહાય મળશે.
નોંધ: આ બે પૈકી જે રકમ ઓછી હશે, તે સહાય તરીકે ચૂકવવામાં આવશે.
કોને-કોને મળશે આ યોજનાનો લાભ?
આ યોજનાનો વ્યાપ ખૂબ જ મોટો રાખવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો આધુનિક ખેતી તરફ વળી શકે. નીચે દર્શાવેલા તમામ લોકો અને સંસ્થાઓ આ યોજનાનો લાભ લઈ શકે.
ખેડૂતો : રાજ્યના તમામ નોંધાયેલા ખેડૂત ખાતેદારો.
સહકારી મંડળીઓ : પ્રાઈમરી એગ્રીકલ્ચરલ કો-ઓપેરેટિવ સોસાયટી (PACS).
ખેડૂત સંગઠનો : ફાર્મર ગૃપ, ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPC) અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO).
મહિલા મંડળો અને સંસ્થાઓ : કૃષિ કાર્યો સાથે સંકળાયેલ અને ખેડૂત સભ્યો ધરાવતી સહકારી સંસ્થાઓ, સખી મંડળો અને સેલ્ફ હેલ્પ ગૃપ (SHG).
કૃષિ ક્ષેત્રના શિક્ષિત યુવાનો : કૃષિ ડિપ્લોમા, કૃષિ સ્નાતક (Graduate), અનુસ્નાતક (Post-Graduate) અથવા B.R.S. ની ડિગ્રી ધરાવતા ઉદ્યમીઓ.
ડ્રોન ખરીદી માટેની મુખ્ય શરતો અને નિયમો
યોજનાનો લાભ મેળવવા માટે સરકારે કેટલાક ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે.
પાઇલટ લાઇસન્સ : કૃષિ ડિગ્રી ધરાવતા ઉદ્યમીઓ પાસે RPTO સેન્ટર (Remote Pilot Training Organization) માંથી મેળવેલું ડ્રોન પાઇલટ તરીકેનું માન્ય લાઇસન્સ હોવું જરૂરી છે.
DGCA મંજૂરી : ખરીદવામાં આવનાર ડ્રોન DGCA (Directorate General of Civil Aviation) દ્વારા માન્ય થયેલ હોવું જોઈએ.
પ્રમાણપત્ર : ડ્રોન પાસે પોતાનું Type Certificate અને UID નંબર હોવો અનિવાર્ય છે.
આઈ-ખેડૂત પોર્ટલ : સૌથી મહત્વની શરત એ છે કે ખેડૂતોએ માત્ર આઈ ખેડૂત (i-Khedut) પોર્ટલ પર પ્રદર્શિત (શોર્ટલિસ્ટ) થયેલા કિસાન ડ્રોનની જ ખરીદી કરવાની રહેશે.
કિસાન ડ્રોનની મદદથી ખેતરમાં ખૂબ જ ઓછા સમયમાં અને સચોટ રીતે ખાતર તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય છે. આનાથી દવાઓનો બગાડ અટકશે, મજૂરી ખર્ચ ઘટશે અને ખેડૂતોના સમયની મોટી બચત થશે.
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ, તો વહેલી તકે આઈ ખેડૂત પોર્ટલ ની મુલાકાત લઈને વધુ વિગતો મેળવી શકો છો.