logo છેલ્લી જાગીર
Gujarat Diesel Shortage : વાવેતર ટાણે જ ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં, જાણો શું બોલ્યા જગતના તાત?

By Chhelli Jagir

May 19, 2026

સ્થિતિ કેટલી ગંભીર છે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબાઓ લઈને લાઈનમાં ઊભા જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આવા દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે.

સ્થિતિ કેટલી ગંભીર છે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબાઓ લઈને લાઈનમાં ઊભા જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આવા દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે.

Gujarat Diesel Shortage : ગુજરાતના ખેડૂતો માટે હાલ ‘પડ્યા પર પાટા’ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ચોમાસુ વાવેતરની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે બીજી તરફ ખાતર અને ડીઝલ વગર ખેડૂતોને અહીંતહીં રખડવાનો વારો આવ્યો છે. રાજ્યભરમાં પહેલાથી જ ખેડૂતો ખાતરનો પૂરતો જથ્થો ન મળવાને કારણે પરેશાન છે, ત્યાં હવે સતત ભાવવધારા બાદ પણ ખેડૂતોને સમયસર ડીઝલ નથી મળી રહ્યું.

ગુજરાતમાં ડીઝલની અછત: પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો

હાલ ગુજરાતમાં ઇંધણની સ્થિતિ એવી છે કે ઘણા જિલ્લાઓમાં ડીઝલ અને પેટ્રોલના સપ્લાયમાં આવેલા અવરોધને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઓઇલ કંપનીઓ દ્વારા મર્યાદિત સપ્લાય અને પેમેન્ટ સિસ્ટમના ફેરફારોને કારણે પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાય વિસ્તારોમાં તો 'નો સ્ટોક'ના પાટિયા પણ લાગી ગયા છે.

સ્થિતિ કેટલી ગંભીર છે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબાઓ લઈને લાઈનમાં ઊભા જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આવા દ્રશ્યો હવે સામાન્ય થઈ ગયા છે.

વાવેતર સીઝનમાં વિલંબનો ડર : જાણો શું છે ખેડૂતોની વ્યથા?

ડીઝલની આ તંગીના કારણે ખેતીકામ ખોરંભે પડ્યું છે, જેને લઈને ખેડૂતો પોતાનો આક્રોશ અને ચિંતા ઠાલવી રહ્યા છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ડીઝલની સ્થિતિ વિશે વાત કરતા સુંદરગઢ ગામના સ્થાનિક ખેડૂત મગનભાઈ જણાવે છે કે,

“હાલ અમારે ચોમાસા પહેલા વાવેતર માટે જમીન તૈયાર કરવાની સીઝન છે. જો સમયસર ડીઝલ નહીં મળે તો અમારે ચોમાસામાં જમીનને પડતર (ખાલી) મૂકવાનો વારો આવશે.“

અન્ય એક ખેડૂત સુરેશભાઈ જણાવે છે કે,

“અમે ડીઝલ લેવા માટે ૨ દિવસથી ધક્કા ખાઈ રહ્યાં છીએ. આજુબાજુના કોઈ પેટ્રોલ પંપ પર ડીઝલ નથી. ગાડી આવતા જ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ જાય છે અને થોડીવારમાં જ જથ્થો ખાલી થઈ જાય છે.“

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કડક નિયમો

બનાસકાંઠાના સરહદી પંથકમાં વાવ અને થરાદમાં ડીઝલની તીવ્ર અછત વચ્ચે લોકો કેરબા અને ડ્રમ લઈને પંપો પર દોડી રહ્યા છે. અહેવાલો એવા પણ છે કે પંપ સંચાલકો હવે સીમિત માત્રામાં જ ડીઝલ આપી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક પંપો પર ખેડૂતો પાસેથી ૭/૧૨ના ઉતારા અથવા પુરાવા તરીકે ઓળખપત્ર (આધારકાર્ડ વગેરે) માંગ્યા બાદ જ ડીઝલ-પેટ્રોલ આપવામાં આવી રહ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

સ્થાનિક ખેડૂત અમથાભાઈએ જણાવ્યું કે,

“અમારા વિસ્તારમાં મોટાભાગના પેટ્રોલ પંપ પર ડીઝલ નથી. અમારે કેરબા લઈને ભટકવું પડે છે. જો આ સ્થિતિ જલ્દી નહીં સુધરે તો અમારે ચોમાસુ સીઝન ગુમાવવાનો વારો આવી શકે છે.“

મહાનગરોમાં અફવાઓનું બજાર અને સરકારી દાવા

આ સ્થિતિ માત્ર ગામડાઓ પૂરતી મર્યાદિત નથી; અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પણ ઇંધણની અછત વર્તાઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઈંધણ ખૂટી પડવાની અફવાઓ ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

વાહનચાલકો પેટ્રોલ પંપ તરફ દોડતા ઘણા સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સુરત અને અમદાવાદમાં સામાન્ય દિવસો કરતા દૈનિક વેચાણમાં મોટો ઉછાળો નોંધાયો છે. જો કે, બીજી તરફ રાજ્ય સરકાર બધું બરાબર હોવાના સબ સલામતના સરકારી દાવાઓ કરી રહી છે.

કંડલા અને મુંદ્રા પોર્ટ પર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટમાં

માત્ર ખેતી જ નહીં, પણ વ્યાપારિક સ્તરે પણ આની માઠી અસર થઈ રહી છે. કચ્છ જિલ્લામાં ડીઝલની તંગીને કારણે કંડલા અને મુંદ્રા જેવા દેશના અગ્રણી બંદરો ધરાવતા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ મોટી મુશ્કેલીમાં મુકાયો છે.

સ્થિતિને કાબૂમાં લેવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન, સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અને ટિમ્બર ટ્રેડર્સની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. વેપારી સંગઠનોનું સ્પષ્ટ કહેવું છે કે, જો આગામી ૧ જૂન સુધીમાં ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે.

અત્રે નોંધનીય છે કે, હાલમાં જ સરકારે ઉપરા-ઉપરી બે વખત ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે, જેમાં પહેલા ત્રણ રૂપિયા અને ત્યારબાદ ૯૬ પૈસાનો વધારો કરાયો છે. ભાવવધારા છતાં ઈંધણ ન મળતા જનતામાં રોષ છે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.