By Chhelli Jagir
May 27, 2026
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે. હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.
Gujarat Khedut Tar Fencing Yojana 2026 : ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરમાં ઊભા પાકને વન્ય પ્રાણીઓ અને રખડતા પશુઓથી બચાવવા માટે અમલમાં રહેલી ‘કાંટાળી તારની વાડ યોજના’ (ખેતર ફેન્સિંગ યોજના) ના નિયમોમાં ગુજરાત સરકારે મોટો ફેરફાર કર્યો છે.
આ નવા સુધારાથી હવે ખેડૂતોને આર્થિક સહાય પણ વધુ મળશે અને નાના ખેડૂતો પણ આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકશે.
તાર ફેન્સિંગ યોજનામાં હવે કેટલી સહાય મળશે?
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે.
જૂનો નિયમ : અગાઉ ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર દીઠ 200 અથવા કુલ ખર્ચના 50 ટકા (બેમાંથી જે ઓછું હોય તે) સહાય મળતી હતી.
નવો નિયમ : હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.
આ નિર્ણયથી ખેડૂતો પરનો આર્થિક બોજ હળવો થશે અને તે પોતાના ખેતરની ફરતે મજબૂત ફેન્સિંગ કરાવી શકશે.
જમીનના નિયમોમાં સરકારે આપી મોટી રાહત
અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર (જૂથ) હોવું ફરજિયાત હતું. આ નિયમના કારણે નાના ખેડૂતો આસપાસના અન્ય ખેડૂતોની સંમતિ ન મળવાને લીધે યોજનાથી વંચિત રહી જતા હતા.
મહત્વનો ફેરફાર : હવે સરકારે જમીનની મર્યાદા ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દીધી છે. એટલે કે હવે નાના અને મધ્યમ વર્ગના હજારો ખેડૂતો પણ એકલા અથવા નાના જૂથમાં આ યોજનાનો સીધો લાભ ઉઠાવી શકશે.
ચોમાસા પહેલા 1 લાખ અરજીઓને મંજૂરી : 240 કરોડનું બજેટ
ખેડૂતો ચોમાસાની ખેતીમાં વ્યસ્ત થાય તે પહેલા જ આ કામગીરી પૂર્ણ થઈ શકે તે માટે સરકાર એક્શન મોડમાં છે.
1 લાખ અરજીઓ થશે મંજૂર : આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર આવેલી અંદાજે એક લાખ જેટલી અરજીઓને ચોમાસા પહેલા તબક્કાવાર મંજૂરી આપી દેવામાં આવશે.
બજેટની ફાળવણી : આ કામગીરી માટે સરકારે 240 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને જરૂર પડ્યે વધુ નાણાં ફાળવવાની પણ ખાતરી આપી છે.
પોર્ટલ ફરી ખુલશે : સામાન્ય રીતે આ યોજના માટે વર્ષમાં એક જ વાર પોર્ટલ ખુલતું હોય છે, પરંતુ વધુમાં વધુ ખેડૂતો ફોર્મ ભરી શકે તે માટે જરૂર જણાશે તો વર્ષમાં બીજી વખત પણ પોર્ટલ ખોલવામાં આવશે.
રાજ્ય સરકારના આ કલ્યાણકારી નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોના પાકને રોજડા અને ભૂંડ જેવા વન્ય પ્રાણીઓના ત્રાસથી કાયમી મુક્તિ મળશે.