logo Chhelli Jagir
ખેડૂતો માટે માઠા સમાચાર, આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાની હવામાન વિભાગની આગાહી

By Chhelli Jagir

April 13, 2026

ખેડૂતો માટે માઠા સમાચાર, આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન માત્ર 92 ટકા વરસાદ વરસી શકે છે. આ નબળા ચોમાસા પાછળ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થતું 'અલ નીનો' મુખ્ય કારણ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વર્ષ 2026 ના ચોમાસાને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન માત્ર 92 ટકા વરસાદ વરસી શકે છે. આ નબળા ચોમાસા પાછળ પ્રશાંત મહાસાગરમાં સક્રિય થતું 'અલ નીનો' મુખ્ય કારણ છે.

ચોમાસું નબળું રહેવાની આગાહીને પગલે દેશમાં ખેતી ક્ષેત્રે મોટું સંકટ આવવાની ભીતિ સેવાઈ રહી છે. ઓછો વરસાદ સીધી રીતે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ખેડૂતોની આવકને અસર કરશે.

ખાસ કરીને ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં વાવણી અને પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

વરસાદની ઘટને કારણે આગામી સમયમાં શાકભાજી, અનાજ અને કઠોળના ભાવમાં ધરખમ વધારો થવાની શક્યતા છે. જેના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડી શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં માંગ ઘટવાને લીધે ટ્રેક્ટર અને ટુ-વ્હીલર જેવા ઓટોમોબાઈલ સેક્ટર પર માઠી અસર થશે. શેરબજારમાં કૃષિ આધારિત કંપનીઓના સ્ટોક્સ પર પણ દબાણ જોવા મળી શકે છે.

નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર ઘટવાને કારણે પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યા વિકટ બનશે. ગરમીનું પ્રમાણ વધતા વીજળીની માંગમાં પણ રેકોર્ડબ્રેક વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ભૂતકાળમાં પણ જ્યારે અલ નીનો સક્રિય થયો છે ત્યારે દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વર્ષ 2002, 2009 અને 2015 માં ચોમાસું અત્યંત નબળું નોંધાયું હતું.

હવામાન વિભાગ મે મહિનાના અંતમાં બીજી આગાહી જાહેર કરશે જેમાં વરસાદનું સચોટ ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં દેશના ખેડૂતો અને બજારની નજર આગામી સત્તાવાર અપડેટ્સ પર ટકેલી છે.

Chhelli Jagir