Sardar Sarovar Dam : ખેડૂતો માટે ખુશખબર, સરદાર સરોવર ડેમની સપાટી 133 મીટરને પાર પહોંચી
Sardar Sarovar Dam : ગુજરાતના ખેડૂતો માટે સરદાર સરોવર ડેમને લઈને સારા સમાચાર છે. નર્મદા ડેમ ઝડપથી તેની પુર્ણ સપાટી તરફ ભરાઈ રહ્યો છે.
હાલની સ્થિતીએ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડેમની સપાટી ઝડપથી વધી રહી છે.
સરદાર સરોવર ડેમની સતત વધારો થઈ રહ્યો છે
10 ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યા સુધીના આંકડા અનુસાર, સરદાર સરોવર ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં 2.85 મીટર વધી છે. જે રીતે ડેમમાં પાણીની આવક થઈ રહી છે તેને જોતા ડેમ ઝડપથી ઓવરફ્લો થઈ શકે છે.
લેટેસ્ટ આંકડા અનુસાર, હાલ સુધીમાં ડેમની સપાટી 133.26 મીટર પર પહોંચી છે અને ઝડપથી વધારો થઈ રહ્યો છે.
ઉપરવાસમાંથી 3,88,683 ક્યુસેક પાણીની આવક
પાણીની આવકની વાત કરીએ તો, ડેમમાં ઉપરવાસમાંથી 3,88,683 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને રિવરબેડ પાવરહાઉસમાંથી 43,897 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હાલ ડેમમાં 80 ટકા પાણી છે અને બહુ જલ્દી સપાટી વધી રહી છે. ડેમ ભરાવાથી એક તરફ ખેડૂતો માટે સારા સમાચાર છે તો બીજી તરફ પાણીની આવક આવી જ રીતે ચાલુ રહે છે તો ભરૂચ જેવા મોટા શહેરોને સમસ્યા થઈ શકે છે.