Krushi Rahat package : વરસાદ પીડિત ખેડૂતો માટે સરકારનું કૃષિ રાહત પેકેજ જાહેર, જાણો સહાયના ધારાધોરણો
Krushi Rahat package : જૂલાઈ મહિનામાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. હવે આ ખેડૂતો માટે સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે.
વિધાનસભામાં ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આ ખેડૂતોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે ૩૫૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે.
જુલાઈ મહિનામાં ભારે વરસાદમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ 45 તાલુકાઓમાં અંદાજે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયો છે.
આ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.
અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. નુકશાનની તિવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય પણ અપાશે.
કોને સહાયનો લાભ મળશે?
ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ૮,૫૦૦ રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ ૨,૫૦૦ સહાય મળીને કુલ ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ ૫,૦૦૦ સહાય મળી કુલ ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
આ સહાય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.