In vitro fertilization technique : ગુજરાત સરકાર IVF અપનાવતા પશુપાલકોને 19,780 રૂપિયાની સહાય આપશે
In vitro fertilization technique : ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકારે ઘણી યોજનાઓ નવીન આયામો અમલમાં મુકી છે.
ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને 5 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
પશુ સંવર્ધનથી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા ગુજરાત સરકારે અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સેક્સડ સીમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે IVF કરાવતા પશુ માટે 5 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.
પ્રાયોગિક ધોરણે 4 જિલ્લામાં યોજના અમલમાં મુકાઈ
પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે.
રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત વધારાની 5 હજાર સહાય મળશે
રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત IVF ટેકનોલોજીના ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભધારણ થયું હોય તેવા પશુપાલકોને IVF માટે થતાં 24780 ખર્ચ સામે ભારત સરકાર 5000 સહાય આપવામાં આવે છે.
આ સિવાય ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા આવા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 4890 તેમજ GCMMF દ્વારા 4890 સહાય આપવામાં આવે છે.
પશુપાલકોને કુલ 19780 રૂપિયાની સહાય મળશે
આમ આ યોજનાથી IVફ ટેકનોલોજીની મદદથી સફળ ગર્ભધારણ કરતા પશુ માટે પશુપાલકને થતા 24780 ખર્ચ સામે ભારત સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF તરફથી કુલ 19780 સહાય મળશે. પરિણામે પશુપાલકને IVF ટેકનોલોજીના ઉપયોગ માટે પશુ દીઠ માત્ર 5 હજારનો જ ખર્ચ થશે. આનાથી ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ બનશે.
સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પરંતુ ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે 12 થી 20 જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે.
IVF ટેકનોલોજીમાં હાઈ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી પ્રયોગ શાળામાં તેનું ફલીનીકરણ કરવામાં આવે છે તેમજ તેમાંથી મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે.
આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય છે. વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓનો જન્મ થતા પશુપાલકોની આવકમાં પણ વધારો કરી શકાશે.