Gujarat Rain : ગુજરાતના 48 જળાશયો ઓવરફ્લો, સરદાર સરોવર ડેમ 57 ટકાથી વધુ ભરાયો
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદની શાનદાર ઈનિંગ જોવા મળી રહી છે. અત્યારસુધીમાં રાજ્યના 48 જળાશયો સંપુર્ણ ભરાઈ જતા એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
જળ સંપત્તિ વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 00 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાયા
આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 30 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
સરદાર સરોવર ડેમ 57 ટકા ભરાયો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,02,041 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,00,663 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
ઉકાઈ ડેમમાં 70,274 ક્યુસેક પાણીની આવક
3 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં 70,274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા પાણીની આવક
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141માં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17માં 44.01 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.