Agriculture : ગુજરાતને 62.60 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફળવાયો, જાણો શું કહ્યું કૃષિ મંત્રીએ?
Agriculture : યુરીયા જેવા જરૂરી ખાતરોને કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી સર્જાય છે. ઘણી વખત ડીએપી જેવા પાયાના ખાતરો ન મળવાને કારણે ખેડૂતોને વાવેતરમાં મોડુ થાય છે.
એક તરફ સિઝનમાં જરૂરત વખતે ખાતર ન મળવાને કારણે ખેડૂત પરેશાન છે તો બીજી તરફ રાજ્ય સરકાર ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કરી રહી છે.
વિધાનસભામાં ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે એક પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય તે માટે ભારત સરકારે ગુજરાતને માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.
ગુજરાતને 62.60 લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો
તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા, ડીએપી અને અન્ય ખાતર મળીને કુલ 59.82 લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ 62.60 લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી ઘણી જગ્યાઓએથી ફરિયાદો આવી હતી કે ખાતર સાથે સાથે નેનો યુરિfertilizerયા અને અન્ય વસ્તુઓ ખરીદવા દબાણ કરવામાં આવે છે. આ મુદ્દે પણ કૃષિમંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યો.
કૃષિ મંત્રીએ કહ્યું કે, યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવા દબાણ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે
આ ઉપરાંત અગાઉથી જ ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજીયાત ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યમાં ક્યાંય આવી ઘટના ધ્યાને આવશે તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાંઓ લેશે.
તેમણે કહ્યું કે, ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ જેવી 17 જેટલી રાજ્ય સરકાર માન્ય મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ, 850થી વધુ હોલસેલર વિક્રેતા તથા અન્ય મળીને કુલ 9000થી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.