Agriculture : ખેડૂતો માટે ખુશખબર, શિયાળુ પાક માટે નર્મદાનું પુરતું પાણી મળશે
Agriculture : શિયાળુ વાવેતર કરનારા ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોને શિયાળુ પાક માટે પુરતા પ્રમાણમાં પાણી મળશે.
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, સરદાર સરોવર સહિત ગુજરાતના 207 સરોવરોમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતો કોઈપણ પ્રકારના ટેન્શન વગર વાવેતર કરી શકે છે.
Sardar Sarovar dam : સરદાર સરોવરમાં પુરતા પાણીનો જથ્થો
ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી અને જણાવ્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે.
તેમણે કહ્યું કે, હાલ ગુજરાતના ૨૦૭ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૮૮ ટકા જેટલો એટલે કે ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે.
ઝોન મુજબ આંકડા આપતા તેમણે જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ૯૧ ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૮૬ ટકા અને કચ્છના જળાશયોમાં ૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકોનુ વાવેતર કરી શકશે.