Farmer Protest In Gujarat : પાવર ગ્રીડ કંપની સામે 14 જિલ્લાના ખેડૂતો મેદાને, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું એલાન
farmer protest in Gujarat : ગુજરાતમાં ખેડૂત વિરોધી કાયદાઓએ જગતના તાતને લાચાર અને બેબસ બનાવ્યો છે. હવે આ વાતનો પુરાવો લાકડીયા-અમદાવાદ વીજ લાઈન નાંખતી પાવર ગ્રીડ કંપનીની દાદાગીરીમાં જોવા મળ્યો છે.
કચ્છના લાકડીયાથી અમદાવાદ જતી હાઈટેન્શન વીજ લાઈન જે ખેતરોમાંથી પસાર થાય છે તે ખેતરોના માલિકો કંપનીની દાદાગીરીની ફરિયાદો કરી રહ્યાં છે. આ દાદાગીરીથી ત્રસ્ત ખેડૂતોએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધુળકોટમાં એકઠા થઈને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
કંપનીની દાદાગીરી સામે ધુળકોટ ગામે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતુ. અહીં 14 જિલ્લાના ખેડૂતો પહોંચ્યા હતા અને યોગ્ય વળતર અને ખેડૂતોને ફસાવીને ખોટા કેસ કરવા સહિતના મુદ્દાઓ પર પોતાનો અવાજ બુલંદ કર્યો છે.
આ તમામ ખેડૂતોનો આરોપ છે કે પાવર ગ્રીડ કંપની વળતર આપવામાં ઠાગાઠૈયા કરી રહી છે. ખેડૂતોની જમીનમાં ખેડૂતોને પ્રવેશ નથી કરવા દેવાતો અને ખોટા કેસ કરીને ખેડૂતોને ફસાવાઈ રહ્યાં છે. આ ખેડૂતો તેમની જમીન પ્રમાણે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.
ખેડૂતોની વારંવારની રજુઆત છત્તા પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ એલાન કર્યુ છે કે જો યોગ્ય ન્યાય નહીં થાય તો ખેડૂતો ગાંધીનગર સુધી તેમનો અવાજ બુલંદ કરશે.